મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રેમલ ચક્રવાતના કારણે નોર્થ-ઇસ્ટનાં છ રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે મોટા ભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરને પાર કરી ગઇ છે. કેટલાંક સ્થળો પર પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 41 લોકોનાં મોત થયાં છે.
સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે મણિપુરમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. વરસાદના કારણે ઇમ્ફાલ નદી અને નંબુલ નદી જેવી મુખ્ય નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. કેટલાંક ગામો પણ પાણીમાં ડૂબી ગયાં છે. કેટલીક સરકારી ઓફિસો અને ક્વાર્ટરોમાં પાણી ભરાઇ ગયાં છે. મિઝોરમમાં ખાણ ધસી પડતા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 33 ઉપર પહોંચી ગઇ છે. નવ લોકો હજુ લાપતા થયેલા છે.
ચેરાપૂંજીના સોહરામાં છેલ્લા 48 કલાકમાં આશરે 35 ઇંચ વરસાદ થયો છે. આસામમાં 10 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. એક વિદ્યાર્થી સહિત ચાર લોકોનાં મોત થયાં છે. નીપકો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ કામરૂપ જિલ્લાનાં કેટલાંક ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યાં છે. કટાખલ નદી પર બંધ તૂટી જવાના કારણે હૈલાકાંડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે.સિક્કિમમાં તિસ્તા નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરે વધી રહી છે.લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં પ્રચંડ પવન અને ભારે વરસાદના કારણે ટ્યુન્સા અને કિફિરે જિલ્લામાં ભારે તબાહી થઇ છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.