ઓડિશાના પુરીમાં બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં 20થી વધુ લોકો દાઝી ગયા હતા. આ અકસ્માત બાદ આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે માહિતી આપી હતી કે તહેવાર દરમિયાન ફટાકડાના ઢગલા ફાટવાને કારણે ઘણા લોકો દાઝી ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ધાર્મિક વિધિ જોવા માટે એકઠા થયા હતા. આ પ્રસંગે કેટલાક ભક્તો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાના ઢગલા પર તણખો પડ્યો અને તેના કારણે વિસ્ફોટ થયો. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.