ભાવનગરના દિવંગત અને પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નાના પુત્ર મ.કુ. શિવભદ્રસિંહજી ગોહિલનું 91 વર્ષની વયે આજે શુક્રવારે નિધન થયું હતું. ભાવનગર સ્ટેટ દ્વારા શિવાબાપાના નિધનની જાણકારી આપી શોક પ્રગટ કરાયો હતો. બોરતળાવના કાંઠે આવેલા વૈભવી ભાવવિલાસ પેલેસ ખાતે તેઓ રહેતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તબિયત નાદુરસ્ત હતી તેમ જાણવા મળ્યું છે, શિવાબાપાના નિધનના સમાચારથી ગોહિલવાડમાં શોકની લાગણી જોવા મળી હતી.
દેશની અખંડિતતા માટે સૌ પ્રથમ પોતાનું રાજય રાષ્ટ્રના ચરણે ધરી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ‘શિવાબાપા’ તરીકે જાણીતા હતા. તેઓ પિતા કૃષ્ણકુમારસિંહજી માફક શાંત અને સરળ સ્વભાવી હતા અને તેમના જેવી જ પ્રતિભા ધરાવતા હતા તેમ નજીકથી પરિચિત લોકોએ જણાવ્યું હતું. આજે શુક્રવારે તેમનું નિધન થતાં ભાવનગર સ્ટેટ દ્વારા શોક પ્રગટ કરાયો છે. બપોરે 1થી 5 સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે ભાવવિલાસ પેલેસ ખાતે રખાશે, જયારે સાંજે 5 કલાકે અંતિમયાત્રા નીકળશે. ભાવનગર રાજવી પરિવારના સમાધી સ્થળ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને બે પુત્રો પૈકી મોટા પુત્ર રાજવી વીરભદ્રસિંહજી હાલ હયાત નથી, તેમના પુત્ર રાજવી વિજયરાજસિંહજી તથા પૌત્ર યુવરાજ જયવિરરાજસિંહજી નિલમબાગ પેલેસ રહે છે, જયારે મ.કુ. શિવભદ્રસિંહજી ભાવવિલાસ પેલેસ ખાતે રહેતા હતા, તેમના ધર્મ પત્નીનું થોડા વર્ષો પૂર્વે અવસાન થયું હતું.