સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા પકડવામાં આવ્યા છે. CISFએ કહ્યું કે ત્રણેય ગેટ નંબર 3થી સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને પકડીને દિલ્હી પોલીસને સોંપી દીધા. આ કેસમાં પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મજૂરોના નામ કાસિમ, શોએબ અને મોનિસ છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 4 જૂને બપોરે 1.30 વાગ્યે સંસદ ભવનનાં ગેટ નંબર 3 પરની જણાવવામાં આવી રહી છે. જ્યારે સુરક્ષાકર્મીઓએ એન્ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તેમને શંકા ગઈ.
તપાસ બાદ જાણવા મળ્યું કે આધાર કાર્ડ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી CRPF અને દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્જના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા..