રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતીય નાગરિકોના મોત થયા છે. ભારતે કહ્યું છે કે તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સૈન્ય દ્વારા ભરતી કરાયેલા બે ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જેથી આવા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે આ મામલો રશિયા સમક્ષમજબૂતીથી ઉઠાવ્યો છે અને રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકેપરત કરવાની માંગ કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે “રશિયન સૈન્ય દ્વારા ભારતીય નાગરિકોની વધુ ભરતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે કારણ કે આવી પ્રવૃત્તિઓ અમારી ભાગીદારી સાથે સુસંગત રહેશે નહીં.” વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, “આ કહેતા અમને ખૂબ દુઃખ થાય છે કે રશિયાની સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં માર્યા ગયા છે.” વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, “અમે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.” મોસ્કોમાં અમારા દૂતાવાસે રશિયન સત્તાવાળાઓ પર મૃતદેહને શક્ય તેટલી વહેલી પરત લાવવા દબાણ કર્યું છે.
યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને પણ નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયા અનેક સ્તરે વિદેશી સૈનિકોની ભરતી કરી રહ્યું છે. ભારત, નેપાળ ઉપરાંત આફ્રિકન દેશો અને પૂર્વ એશિયાઈ દેશોના નાગરિકોને પણ રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી નાગરિકોને રશિયન આર્મીમાં કોઈ મોટી જવાબદારીઓ સોંપવામાં આવતી નથી.