ઉત્તર પ્રદેશના હરદોઈમાં બુધવારે રાત્રે 1:30 વાગ્યે એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ છે. ઘરની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હવે પરિવારમાં માત્ર એક છોકરી બચી છે. મૃતકોમાં પતિ-પત્ની, 4 બાળકો, જમાઈનો સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ટ્રક ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મલ્લવાન નગરમાં, ઉન્નાવ રોડ પર રસ્તાના કિનારે ઝૂંપડીઓમાં લોકો રહે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- અમે રાત્રે સૂતા હતા, ત્યારે અચાનક અમને ચીસો સંભળાઈ. અમે દોડીને અવધેશના ઘરે પહોંચ્યા. જોયું કે આખો પરિવાર ટ્રકની નીચે દબાયેલો હતો. એક છોકરી ઘાયલ અવસ્થામાં હતી. અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી બોલાવી હતી. આ પછી ટ્રક સીધી કરવામાં આવી. રેતી દૂર કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત છોકરી બિટ્ટુને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત નાજુક છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.