ગોધરા ખાતે નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવાના ષડયંત્ર મામલે પોલીસ તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચાર વિદ્યાર્થીએ પાસ થવા માટે 66 લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે, તો કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કોરા ચેક પણ આપવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
ગોધરા ખાતે નીટ પરીક્ષામા ગેરરીતિ મામલે પંચમહાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ પોલીસ તપાસ દરમિયાન 12 વિદ્યાર્થી પૈકી બે વિદ્યાર્થી ગોધરા અને 10 વિદ્યાર્થી પડાલ – થર્મલ ખાતે આવેલા નીટના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તો પરીક્ષામાં 12 વિદ્યાર્થી પૈકી 4 વિદ્યાર્થીએ વર્ષ 2023માં વડોદરાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ નામની કંપનીમાં અને પરશુરામ રોયના બેંક ખાતામાં રૂપિયા 66 લાખ રોકડા જમા કરાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
આ સાથે તપાસમાં 7 વિદ્યાર્થીએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ.2.82 કરોડના ચેક આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. 3 વિદ્યાર્થીએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બ્લેન્ક ચેક આપ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે.