સોમવારે રાત્રે યુપીના કુસમ્હીકલા ગામમાં એક પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં માત્ર 16 વર્ષનો પુત્ર જ બચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ઘટના સમયે તે ગામમાં એક લગ્નમાં ગયો હતો. રાત્રે જ્યારે હું પાછો આવ્યો ત્યારે ત્યાં બધાના મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા, પરંતુ પોલીસની શંકાની સોઈ તેના પર ફરી રહી હતી. કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.
યુપીના ગાઝીપુરમાં 16 વર્ષના કપૂતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન ના કરાવતાં માતા-પિતા અને મોટા ભાઈની ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. આરોપી નાનો પુત્ર તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતો હતો. પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા, આથી તેણે એક પ્લાન બનાવીને તેનાં માતા-પિતા અને મોટા ભાઈને સૂતાં હતાં ત્યારે મારી નાખ્યાં. પોલીસે હત્યામાં વપરાયેલી ખૂરપી પણ જપ્ત કરી લીધી. મામલો નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આરોપીએ કહ્યું- હું 2 વર્ષથી ગામની છોકરી સાથે પ્રેમમાં હતો. તેની સાથે લગ્ન કરવા માગતો હતો. છોકરી પણ મને પ્રેમ કરતી હતી અને મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી, પરંતુ મારાં માતા-પિતા અને ભાઈ મારા પર છોકરી સાથે લગ્ન ન કરવા દબાણ કરતાં હતાં. ઘટનાના એક દિવસ પહેલાં જ તેમણે મને માર માર્યો હતો. મારો મોબાઈલ તોડી નાખ્યો. ત્યારથી મેં આ લોકોને રસ્તામાંથી હટાવવાનું મન બનાવી લીધું હતું.
મેં મારાં માતા-પિતાની એક પછી એક તેઓ સૂતાં હતાં ત્યારે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. મોટો ભાઇ રામાશિષ રૂમમાં સૂતો હતો. ત્યારે તેની ગરદન પર ખૂરપી વડે હુમલો કર્યો, ત્યારે તે રૂમની બહાર દોડી ગયો, પરંતુ શ્વાસ લેવાની નસ કપાઇ જવાથી તે પડી ગયો અને મૃત્યુ પામ્યો. આ પછી મેં ખૂરપી અને લોહીના ડાઘાવાળી છરી ખેતરમાં ફેંકી દીધી હતી.
એસપી ઓમવીર સિંહે કહ્યું- પરિવારના સભ્યોએ નાના પુત્રને છોકરી સાથે મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આના પર તેણે ગુપ્ત રીતે નવું સિમકાર્ડ ખરીદ્યું. તેના વડે યુવતી સાથે વાત કરતો હતો. 6 જુલાઈના રોજ પિતા મુંશી રામે પુત્રને મોબાઈલ પર વાત કરતાં પકડ્યો હતો. તેનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું. ગુસ્સામાં આવીને પુત્રએ પોતાનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. આ પછી તેણે તેના પિતા, માતા અને મોટા ભાઈની હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું.