સોશિયલ મીડિયામાં ખાડામાં વાહન આવે અને ફંગોળાય તેવો વીડિયો x (ટ્વિટર) પર પોસ્ટ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. કારણ કે, આ વીડિયો તાઈવાનનો હતો અને તેને ગુજરાતના નામે મૂકીને ગુજરાતની શાખને ડાઘ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયો સાથે ગુજરાતનું નામ જોડતા પોલીસે આ વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં વ્યક્તિ નડિયાદનો હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, થોડા સમય પહેલાં એક્સ ઉપર એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાંક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે. આ સમગ્ર વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. તપાસમાં આ વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રશાંત દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાન હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રશાંત દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પ્રશાંત દલવાડી નડિયાદમાં રહે છે અને તેની વિચારધારા કેટલીક રાજકીય પાર્ટી સાથે હોવાથી તે એક્સ ઉપર આવી રીતે ઘણી વખત પોસ્ટ કરતો હોય છે. પરંતુ આ વખતે તેણે કરેલી પોસ્ટ બીજા દેશની હતી અને તેને ગુજરાત સાથે જોડવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. આ સંદર્ભે તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રશાંત પોતે વેપારી છે અને તે ખૂબ જ સારો અંગ્રેજી ભાષાનો જાણકાર હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ખાસ સમય દરમિયાન એક્સ ઉપર પોસ્ટ કરતો હોય, પરંતુ આ વખતે તેને કરેલી પોસ્ટ ખોટી હોવાથી હાલ એ દિશામાં તપાસ કરવામાં આવી છે.