રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની સત્તામાં વધારો કર્યો છે. હવે LG રાજધાનીમાં સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈધાનિક સંસ્થાની રચના કરી શકશે. આ સિવાય તેઓ આ તમામ સંસ્થાઓમાં સભ્યોની નિમણૂક પણ કરી શકશે. પહેલા આ અધિકારો દિલ્હી સરકાર પાસે હતા. ગૃહ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે એલજીની સત્તા વધારવા સંબંધિત એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ, 1991 હેઠળ લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 12 વોર્ડ સમિતિઓની ચૂંટણી આજે જ યોજાશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની સૂચના પર MCD કમિશનર અશ્વની કુમારે તમામ વોર્ડ સમિતિઓની ચૂંટણીઓ કરવા માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરી હતી. તેમણે MCDના તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને પ્રિસાઇડિંગ ઓફિસર બનાવ્યા છે.અગાઉ મેયર શેલી ઓબેરોયે વોર્ડ સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવાનો અધિકાર આપ્યો છે.
વાસ્તવમાં ચૂંટણી યોજવા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 30 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. MCD કમિશનર અશ્વની કુમારે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા માટે ફાઇલ મોકલી હતી, પરંતુ મેયર શેલી ઓબેરોયે નિમણૂક કરવાનો ઇનકાર કરી દીધો હતો.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સીધા MCDમાં કાઉન્સિલરોની નિમણૂક કરી શકે છે. આ માટે તેમણે દિલ્હી સરકારની સલાહ લેવી જરૂરી નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં હતો. 5 ઓગસ્ટના રોજ કોર્ટે કહ્યું હતું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 સભ્યોને નોમિનેટ કરવાના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના નિર્ણય માટે મંત્રી પરિષદની મદદ અને સલાહની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે 10 એલ્ડરમેનની નિમણૂક કરવાના લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. વાસ્તવમાં, એલજી વિનય કુમાર સક્સેના દ્વારા આ વર્ષે 1લી અને 4ઠ્ઠી જાન્યુઆરીએ ઓર્ડર અને નોટિફિકેશન જારી કરીને 10 એલ્ડરમેન (સભ્યો)ની નિમણૂક કરવામાં આવી હતી. આ નિર્ણય સામે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.