ભારતમાં વિદેશી રોકાણમાં ગુજરાત વધુ એક વખત વિદેશી ઈન્વેસ્ટરોનું ફેવરીટ બન્યુ છે. નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસીક ગાળામાં ગુજરાતમાં 8508 કરોડનું વિદેશી રોકાણ ઠલવાયું છે જે 42 ટકાનો વધારો સુચવે છે.
ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન આંક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઈઆઈટી)નાં રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે વાર્ષિક ધોરણે ગુજરાતમાં વિદેશી રોકાણ 42 ટકા વધ્યુ છે. 2024 ના એપ્રિલથી જુનમાં રાજયમાં 5993 કરોડનું વિદેશી રોકાણ આવ્યુ હતું. જોકે, કુલ વિદેશી રોકાણમાં ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયું છે. સૌથી વધુ 70796 કરોડનું વિદેશી મૂડી રોકાણ મહારાષ્ટ્રને મળ્યુ છે. કર્ણાટકને 19059 કરોડ, દિલ્હીને 10788 કરોડ તથા તેલંગાણાને 9023 કરોડનું વિદેશી રોકાણ મળ્યુ છે.
ગુજરાતમાં ઓકટોબર 2019 થી અત્યાર સુધીનું કુલ વિદેશી રોકાણ 3.08 લાખ કરોડ થવા જાય છે અને સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. સૌથી વધુ 6.03 લાખ કરોડ મહારાષ્ટ્રમાં તથા 4.08 લાખ કરોડ કર્ણાટકમાં ઠલવાયું છે.30 જુન 2023 થી 30 જુન 2024 ના એક વર્ષનાં સમયગાળામાં ગુજરાતમાં ઠલવાયેલા વિદેશી રોકાણમાં 25 ટકાનો વધારો થયો છે. જયારે છેલ્લા બે વર્ષમાં 35 ટકાનો વધારો સુચવાય છે.
ઉદ્યોગ ક્ષેત્રનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ઉદ્યોગલક્ષી નિતિ, સારા ઈન્ફ્રાસ્ટ્રકચર, કલસ્ટર, આધારીત વિકાસ તથા બંદરોની કનેકટીવીટી જેવા કારણોથી વિદેશી ઈન્વેસ્ટરોમાં ગુજરાતનું આકર્ષક છે. આઈસીસી ગુજરાત કાઉન્સીલના ચેરમેન પથિક પટવારીનાં કહેવા પ્રમાણે ટાટા મોટર્સનાં પ્રવેશ બાદ ગુજરાત ઓટો હબ બન્યુ હતું. અનેક ઓટો પાર્ટસ એકમો પણ સ્થપાયા હતા. કલસ્ટર આધારીત પોલીસીને કારણે વિદેશી સાહસીકોને વધુ રસ પડયો છે. સેમી ક્ધડકટર, લોજીસ્ટીક તથા ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને આકર્ષણ છે.
આ ઉપરાંત અનેક ઔદ્યોગીક કલસ્ટરમાં તૈયાર ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરવાનું હોવા ઉપરાંત બંદરોની સાચી કનેકટીવીટીની સાથોસાથ શ્રમિકો પર્યાપ્ત સંખ્યામાં મળવા તથા શાંતિપૂર્ણ માહોલ રહેતો હોવાથી ગુજરાત વિદેશી સાહસીકોને પસંદ પડી રહ્યું છે નવા રોકાણમાં અનેકવિધ પ્રોત્સાહન પણ એક મહત્વનું કારણ છે.