પેરાલિમ્પિકમાં ભારતે 20 મેડલ જીત્યા છે. પેરા ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય ખેલાડીઓએ મંગળવારે છઠ્ઠા દિવસે 5 મેડલ જીત્યા હતા. દરેક મેડલ એથ્લેટિક્સમાં આવ્યા. દીપ્તિ જીવનજીએ પ્રથમ વખત મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો.
ત્યારબાદ પુરુષોની F-46 કેટેગરીની ભાલા ફેંક સ્પર્ધામાં અજીત સિંહે સિલ્વર મેડલ અને સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની T-42 કેટેગરીની ઊંચી કૂદ સ્પર્ધામાં શરદ કુમારે સિલ્વર મેડલ અને મરિયપ્પન થંગાવેલુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના શૈલેષ કુમાર ઉંચી કૂદમાં ચોથા સ્થાને જ્યારે રિંકુ ભાલા ફેંકમાં પાંચમા સ્થાને રહ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત અત્યારે 20 મેડલ જીતીને 17મા નંબર પર છે. ચીન પ્રથમ, બ્રિટન બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા.