સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. પત્રમાં લખાયું છે કે ‘ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે.
વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે.’નર્મદ યુનિવર્સિટી જાણે વિદ્યાર્થીઓનો અખાડો બની ગઇ છે. કેમ્પસમાં ગણેશોત્સવ ઉજવવા માટે એબીવીપીની જૂની અને નવી પેનલ વચ્ચેની હૂંસાતૂંસીમાં વિવાદ વધતાં સત્તાધિશોએ પોલીસ રક્ષણ માંગવાની નોબત આવી છે. સત્તાધિશોના મતે કેમ્પસમાં ઉત્સવ દરમિયાન બંને પેનલો વચ્ચે તોફાન થવાની ભીતિ છે. યુનિવર્સિટી કેમ્પસમાં દર વર્ષે વિદ્યાર્થી સંગઠન ગણેશજીની સ્થાપના કરે છે.
જોકે, આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી, જ્યારે યુનિવર્સિટીના સત્તાધિશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ ન થાય. જોકે, આ નિર્ણય સામે પૂર્વ પેનલે યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજી સ્થાપવાની જીદ પકડતાં વિવાદ સર્જાયો છે.
આ મામલે પોલીસે મધ્યસ્થી કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ અનિચ્છનીય ઘટના રોકવા યુનિવર્સિટીએ પોલીસ રક્ષણ માંગ્યું છે. આ સાથે જ ઘણા વિદ્યાર્થીઓ નશો કરીને પણ આવતા હોવાથી યુનિવર્સિટીની મિલકતને નુકસાન ન પહોંચે તે માટે વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માગણી પણ કરી છે. કેમ્પ્સમાં નર્મદ સ્મૃતિ ભવનના સેમિનાર હોલમાં કેટલાક વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી ગણપતિ ઉત્સવ દરમિયાન આવું ન થાય તેમજ વાહનો પર સ્ટન્ટ કરીને કોઈની સામે જોખમ ઊભું ન થાય તે માટે આવાં તત્ત્વો સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.