ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝ(લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ)થી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ.300 થી ઘટાડીને રૂ.50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 38 લાખ જેટલા પશુ પાલકોને ફાયદો થશે.
આ અંગે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયલક્ષી દરેક નવી ટેક્નોલોજી ગુજરાતમાં ઝડપી સ્વીકૃત બને તેમજ પશુપાલકોને પણ નવી ટેકનોલોજી ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે ક્યારેય કચાશ રાખી નથી. દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે, તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે. “સેક્સડ સીમેન” એટલે કે લિંગ નિર્ધારિત વીર્યના ઉપયોગથી આ બાબત શક્ય બનતી હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ” રાજ્ય સરકારે પાટણ ખાતે “સેક્સડ સીમેન લેબોરેટરી” કાર્યરત કરી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સીમેન ડોઝનાં ઉપયોગથી 90 ટકાથી વધુ વાછરડી(ગાયનું બચ્ચું) અથવા પાડી(ભેંસનું બચ્ચું)નો જન્મ થતા રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે.
રાજ્યમાં 2.68 કરોડ પશુઓ
2019માં રાજ્યમાં થયેલી 20મી પશુ ગણતરીના રિપોર્ટ પ્રમાણે કૂલ 2.68 કરોડ પશુ ધન નોંધાયું હતું .જેમાં 96 લાખથી વધુ ગાય નોંધાઈ હતી, આ વસ્તી ગણતરીમાં રાજ્યમાં કુલ 105 લાખથી વધુ ભેંસ નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં કુલ 17.80 લાખથી વધુ ઘેટાં અને 48.60 લાખથી વધુ બકરા નોંધાયા હતા.