આ દિવસોમાં ગુજરાત સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવી રહી છે. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના ક્રીક વિસ્તારમાં કંડલા પોર્ટ નજીક ગુરુવારે ડિમોલિશન અભિયાનના ભાગરૂપે 580 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, શુક્રવારે બાકીના 55 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. જે વિસ્તારોમાં બુલડોઝર ચાલે છે, ત્યાં ડ્રગ્સની દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો માટે છુપાયેલા સ્થળો હતા. હવે આ જગ્યાઓ જમીનદોસ્ત કરી દેવામાં આવી છે અને બંદર વિસ્તારની 250 એકર જમીન ખાલી કરવામાં આવી છે.
કંડલા પોર્ટપાસે આવેલી આ ગેરકાયદે વસાહતોમાં લગભગ 6 થી 7 હજાર લોકો કબજા હેઠળ રહેતા હતા. કચ્છ પોલીસ અને કંડલા પોર્ટ ઓથોરિટી આ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં વ્યસ્ત છે. અહીં કંડલા પોર્ટ વિસ્તારમાં આવેલી પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરીના આરોપીઓ જ રહેતા હતા પરંતુ સમયાંતરે દારૂની હેરાફેરી અને ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા ગુનેગારો પણ આશ્રય લેતા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ કંડલા પોર્ટ નો આ વિસ્તાર ગેરકાયદેસર ધંધા, ડ્રગ્સની દાણચોરી અને લુખ્ખા ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગયો હતો અને અહીં રહેતા નાપાક ગુનેગારો આસપાસના વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરતા હતા.