મણિપુરમાં, રાજ્યપાલ અને ડીજીપીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સોમવારે હિંસક બન્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓએ રાજભવનના મુખ્ય દરવાજા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા. આ હુમલામાં 20 લોકો ઘાયલ થયા છે.
રાજ્યમાં વધી રહેલી હિંસક ઘટનાઓ અને બગડતા કાયદો અને વ્યવસ્થાને કારણે 8 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે કિશમપતમાં તિદ્દિમ રોડ પર 3 કિલોમીટર સુધી રેલી કાઢ્યા બાદ પ્રદર્શનકારીઓ રાજભવન અને સીએમ હાઉસ પહોંચ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ તેમને બેરિકેડ લગાવીને અટકાવ્યા હતા. ટીયર ગેસના અનેક રાઉન્ડ પણ છોડવામાં આવ્યા હતા. દેખાવકારો રસ્તા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે કહ્યું- સરકાર અને પોલીસ ડ્રોન હુમલા રોકવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યપાલ ઉપરાંત પ્રદર્શનકારીઓ ડીજીપી, સુરક્ષા સલાહકાર અને 50 ધારાસભ્યોના રાજીનામાની માગ કરી રહ્યા છે.