સીબીઆઈએ અત્યાર સુધીના સૌથી મોટા બેન્કિંગ ફ્રોડ મામલે ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન અને ધીરજ વાધવાન વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. તેમના પર યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા(યુબીઆઈ)ના નેતૃત્વ હેઠળના 17 બેન્કના કોન્સોર્ટિયમ સાથે 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
અગાઉ સીબીઆઇએ 12 ફેબ્રુઆરીએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના તત્કાલીન ચેરમેન, એમડી અને અન્યો વિરુદ્ધ 22,842 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડનો કેસ નોંધ્યો હતો. તે કેસ એસબીઆઈના નેતૃત્વ હેઠળની 28 બેન્કો સાથે સંકળાયેલો હતો. પીએનબી કૌભાંડ 13,578 હજાર કરોડ રૂપિયાનું છે જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી આરોપી છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે તપાસ એજન્સીએ યુબીઆઈની ફરિયાદના આધારે ડીએચએફએલના તત્કાલીન સીએમડી કપિલ વાધવાન, ડિરેક્ટર ધીરજ વાધવાન અને 6 રિયલ્ટી કંપનીઓ વિરુદ્ધ ગુનાઈત કાવતરું રચવાનો કેસ 20 જૂને નોંધ્યો હતો. સીબીઆઈના 50 અધિકારીઓને ટીમે બુધવારે આરોપીઓના મુંબઈમાં આવેલાં 12 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી. તેમાં અમરેલીઝ રિયલ્ટર્સના સુધાકર શેટ્ટી અને અન્ય 8 બિલ્ડર્સ સામેલ છે.
સીબીઆઈની તપાસમાં જાણ થઇ કે કેટલાક કેસમાં ફેક કંપનીઓને નકલી દસ્તાવેજોના આધારે ઈમેલના માધ્યમથી લોનની મંજૂરી અપાઈ હતી. જોકે ફેક કંપનીઓને આપેલી લોનની કોઈ ફાઈલ મેઈન્ટેન નહોતી કરાઈ. આ લોન કોઈપણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ વિના આપી દેવાઈ. વાધવાન બંધુ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પહેલેથી સીબીઆઈની તપાસના દાયરામાં છે. બંને ભાઈ પહેલેથી જ જેલમાં છે. બંનેની યસ બેન્ક સાથે ફ્રોડ કરવા મામલે સીબીઆઇ અને ઈડીના કેસના આધારે ધરપકડ કરાઈ હતી.