આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની YSRCP સરકાર પર તિરૂપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જગન મોહન સરકારે પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે. ચંદ્રબાબુએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં YSRCP નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તિરુમાલાના પવિત્ર લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે આપણે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છીએ.
આ વર્ષે 17 જુલાઈના રોજ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબ, CALFએ અહેવાલ આપ્યો હતો કે તિરુમાલાના લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઈલમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તપાસ દરમિયાન એક ફર્મના ઘીમાં ભેળસેળ હોવાનું જણાયું હતું. આ પછી, જુલાઈમાં, તિરુમાલા ટ્રસ્ટના EO જે. શ્યામલા રાવે બેઠક યોજીને લાડુના સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. હવે નાયડુએ તેના અહેવાલનો પર્દાફાશ કર્યો છે. ઘીમાં ગૌમાંસ, ફિશ ઓઈલઅને ડુક્કરની ચરબી ભેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70 હજાર ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરે છે. તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્સ (TTD) દ્વારા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા ‘પોટુ’માં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. રામ મંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ એક લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા.