અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવી ખૂબ જ ખુશ છે. તેણે બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી, ધ્રુવીએ કહ્યું- ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એક અતુલ્ય સન્માન છે. તે તાજ કરતાં વધુ છે. તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.’
સુરીનામની લિસા અબ્દોએલહકને ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ સ્પર્ધામાં પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી. નેધરલેન્ડની માલવિકા શર્માએ સેકન્ડ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુસાન મૌટેટે જીત મેળવી હતી. આ કેટેગરીમાં સ્નેહા નામ્બિયારને ફર્સ્ટ રનર અપ અને યુનાઈટેડ કિંગડમની પવનદીપ કૌરને સેકન્ડ રનર અપનો ખિતાબ મળ્યો છે. આ ઉપરાંત ટીન કેટેગરીમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ કેટેગરીમાં નેધરલેન્ડની શ્રેયા સિંહને ફર્સ્ટ રનર અપ અને સુરીનામની શ્રદ્ધા તેડજો સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.