ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે અમદાવાદને કેન્દ્રીય શહેર તરીકે રાખીને 2036ની ગેમ્સની યજમાનીમાં વારંવાર રસ દર્શાવ્યો છે. આ દરમિયાન, ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનએઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની ઓફર કરી છે. રશિયાના રમત-ગમત મંત્રીએ કહ્યું છે કે તેમના દેશના નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં મદદ કરીને ખુશ થશે.
IOA પ્રમુખ નરિન્દર બત્રા 2036 સમર ગેમ્સની યજમાની માટે ગયા વર્ષથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે ઓપનિંગ સેરેમની માટે અમદાવાદને સ્થળ તરીકે પ્રસ્તાવિત કરવાની વાત કરી છે. ગુજરાત સરકારે પણ ઓલિમ્પિકની યજમાની માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે,બે મહિના પહેલા ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે અમે 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ. ICO સભ્યો 2025 માં ઓલિમ્પિક સાઇટની મુલાકાત લેવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રમતગમત મંત્રીએ કહ્યું, “જો ભારતનું ઓલિમ્પિક ગેમ્સની યજમાની જેવું સપનું સાકાર થાય છે, તો તે દેશના સતત વિકાસ માટે એક અન્ય માપદંડ હશે. અમે હંમેશા સંવાદ માટે ખુલ્લા છીએ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો અમારો અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ અને અમે ઘણી વખત આવું કર્યું છે. તેથી જો નિર્ણય લેવામાં આવે છે, તો રશિયન નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં મદદ કરવા માટે ખુશ થશે.”