મહારાષ્ટ્રમાં વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને મડાગાંઠ હવે સમાપ્ત થઈ ગઈ છે. MVAના ટોચના નેતાઓએ મંગળવારે મોડી રાત સુધી મુંબઈમાં બેઠક યોજી હતી અને સંકેત આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી માટે સીટની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.
અહેવાલ અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે 288 સભ્યોની વિધાનસભા માટે કોંગ્રેસ 105 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 84 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં સામેલ નાના પક્ષોને આપવામાં આવશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે અને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત વચ્ચે બેઠક વહેંચણીને લઈને મતભેદ થયા બાદ રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે મંગળવારે પહેલા NCP પ્રમુખ શરદ ચંદ્ર પવાર અને પછી શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી . બાદમાં, થોરાટ અને અન્ય MVA નેતાઓએ ફરી એક લક્ઝરી હોટલમાં પાંચ કલાકથી વધુ સમય સુધી બેઠક યોજી હતી. થોરાટે કહ્યું કે AICC મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ તેમને પવાર અને ઠાકરેને મળવા કહ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈ શહેરી વિસ્તારમાં ઉદ્ધવની શિવસેના 18 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ 14 અને NCP (SP) 2 બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, મુંબઈની ત્રણ બેઠકો – વર્સોવા, બાંદ્રા પૂર્વ અને ભાયખલા – પરનો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી કારણ કે ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ બંનેએ તેમના પર દાવો કર્યો છે. જો કે આ અંગે પણ આજે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આમાં કોંગ્રેસ કે સેનાને બલિદાન આપવું પડી શકે છે.