જતીન સંઘવી :ભાવનગર મહાપાલિકાના એક વિભાગના અધિકારીએ માત્ર 12 રૂપિયાનો ચેક લખી આપવામાં આંખ આડા કાન કરતા મામલો વટે ચડતા હવે અરજદારે પોલીસ ફરિયાદ માટે મ્યુ. કમિશનર પાસે મંજૂરી માંગી છે, આ પ્રકરણની ભારે ચર્ચાઓ થઈ રહી છે.
આ અંગે વિગતો એવી છે કે, અરજદારને આરટીઆઈની અરજી અંગે પ્રથમ અપીલ અધિકારીના હુકમ મુજબ સ્ટોર વિભાગ દ્વારા રૂ.12નો ચેક રીફન્ડ પેટે અરજદારને આપવામાં આવ્યો હતો. જે ચેક બેંકમાં નહિ ભરતા મુદત પૂર્ણ થઈ ગઈ હતી આથી અરજદારે રિવેલીડ ચેકની માંગ કરી હતી.આ કિસ્સામાં અરજદાર મનીષ શાહે નવી તારીખ સાથેનો ચેક મેળવવા તંત્ર પાસે વારંવાર માંગ કરી લગભગ 12 વખત રિમાઇન્ડ કર્યું હતું પરંતુ સ્ટોર સુપ્રી.એ કોઈ પ્રત્યુતર નહિ પાઠવતા આખરે સ્ટોર સુપ્રી. સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તેમણે મ્યુ.કમિશનર પાસે મંજુરી માગી છે જેથી મામલો ગરમાયો છે.