અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસીક જીત હાંસલ કર્યાને પગલે તેમનાં કટ્ટર સમર્થક અને સમગ્ર ચૂંટણીમાં ટ્રમ્પની પડખે રહેલા ટોચના ધનિક એલન મસ્કને જેકપોટ લાગ્યો છે. તેમને પોતાના રોકાણ પર એક જ દિવસમાં 22544 ટકાનું અભુતપુર્વ રીટર્ન મળ્યુ છે અને સંપતિમાં 26.5 અબજ ડોલરનો વધારો થયો છે બીજી તરફ તેમની હરીફ કંપનીઓનાં શેરોનાં ભાવમાં ગાબડા પડયા હતા.
અમેરીકામાં ટ્રમ્પનો વિજય થતાં દુનિયાનાં ધનવાન ઉદ્યોગપતિ એલન મસ્કને મોટો લાભ થયો છે.ચૂંટણીમાં ટ્રમ્પની પડખે રહેલા મસ્કે તેમને 119 મીલીયન ડોલરનું ફંડ પણ આપ્યુ હતું. ટ્રમ્પની જીત પછી મસ્કની ઓટો કંપની ટેસ્લાનાં ભાવમાં 14.75 ટકાનો જબરજસ્ત વધારો થયો છે. અને સંપતીમાં 26.5 ડોલરનો વધારો થયો હતો. મસ્કને પોતાના રોકાણ પર એકજ દિવસમાં 22544 ટકાનું રીટર્ન મળ્યુ હતું. બ્લુમબર્ગ બીલીયોનર, ઈન્ડેકસમાં સુચવાયા પ્રમાણે મસ્કની સંપતી 290 અબજ ડોલરે પહોંચી ગઈ છે.ચાલુ વર્ષે સંપતીમાં 61.3 અબજ ડોલરનો વધારો થયો છે.મસ્ક પાસે ટેસ્લાનાં 411 મીલીયન શેર છે.તે 14.75 ટકા વધીને 288.53 ડોલર થયા હતા. ભાવ બે વર્ષની ઉંચાઈએ પહોંચ્યો હતો અને દુનિયાની 10 મી મુલ્યવાન કંપની બની હતી. એમ મનાય છે કે મસ્ક જે રીતે ટ્રમ્પની પડખે રહ્યા હતા. તેના આધારે તેમને સરકારમાં પણ સ્થાન મળી શકે છે.
અમેરીકી શેર માર્કેટમાં તેજીની અસરે એમેઝોનનાં સ્થાપક જેક બેજોસની સંપતીમાં પણ એક જ દિવસમાં 7.14 અબજ ડોલરનો વધારો થયો હતો. ભારતીય કંપની રીલાયન્સની નેટવર્થમાં 1.30 અબજ ડોલર તથા અદાણીની સંપતીમાં 3.62 અબજ ડોલરનો વધારો થયો હતો. બીજી તરફ ટેસ્લાની હરીફ કંપની લ્યુચીક ગ્રુપ તથા રિવીયન ઓટોમેટીવનાં શેરોમાં અનુક્રમે 7.5 ટકા તથા 9.4 ટકાના ગાબડા પડયા હતા. ટ્રમ્પ સરકાર ચીનથી આયાત થતી ચીજો પર ભારે જકાત લાદશે તેવી આશંકાથી આ કંપનીઓનાં શેર તૂટયા હતા. ટ્રમ્પે પ્રચાર વખતે જ આ વચન આપ્યુ હતું. ટ્રમ્પની જીતથી મસ્કની કંપની ટેસ્લા ચીનની હરીફાઈમાંથી પણ બચી જશે તેમ માનવામાં આવી રહ્યુ છે.