અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસીક જીતને પગલે બીટ કોઈનમાં નવી તેજી સર્જાઈ છે અને કિંમત રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચવા લાગી છે. બિટકોઈનની કિંમત હવે 76951 ના નવા સ્તરે પહોંચી છે. બિટકોઈનની તેજી પાછળનૂું મુખ્ય કારણ અમેરિકન ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતનું છે તેઓએ ગોલ્ડ રીઝર્વની જેમ ક્રિપ્ટો કરન્સીનો વ્યુહાત્મક ભંડાર બનાવવાનું પ્રચાર દરમ્યાન જાહેર કર્યું હતું.
ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રનાં નિષ્ણાંતે જણાવ્યું હતું કે અમેરિકામાં બાઈડન સરકારે ઓપરેશન ચોકપોઈન્ટ ઉપરાંત ક્રિપ્ટો કંપનીઓ સામે વ્યવહાર કરનારી બેંકો પર કેસ કર્યા હતા તેને કારણે ક્રિપ્ટો ઉદ્યોગ ભયભીત બન્યો હતો અને મનોબળ નબળુ પડયુ હતું. ટ્રમ્પે પ્રચાર દરમ્યાન ક્રિપ્ટોને પ્રોત્સાહન આપવા તથા તે માટેની નીતિ ઘડવાનું વચન આપ્યું હતું અને હવે તેઓ વિજેતા બનતા તેજી થઈ છે. આ સિવાય અમેરિકામાં ચાર વર્ષે વ્યાજદર ઘટાડાની સાયકલ શરૂ થઈ છે.ફેડરલ રીઝર્વે ઉપરાઉપરી બે વખત વ્યાજદરમાં કુલ 0.75 ટકાનો ઘટાડો કર્યો છે.
નિષ્ણાંતોએ કહ્યું કે, બિટ કોઈનનો કલોટીંગ સ્ટોક ઓછો છે.તેવા સમયે નાણા-રોકાણ વધી જાય તો મોટો ફેર પડી શકે છે.2022 તથા 2023 માં વ્યાજદરમાં વધારાથી બિટકોઈનમાં મંદી જોવા મળી હતી. હવે વ્યાજદર ઘટવા લાગતા ઈન્વેસ્ટરો જોખમી એસેટસમાં વધુ રોકાણ કરી રહયા છે.
અમેરીકામાં લીસ્ટેડ બીટકોઈન ઈટીએફમાં છેલ્લા બે સપ્તાહમાં ચાર અબજ ડોલર ઠલવાયા છે.બિટકોઈનને ઘણા લોકો શંકાની નજરે નિહાળતા હતા. પરંતુ અમેરીકી માર્કેટ રેગ્યુલેટરની મંજુરી ધરાવતા બિટકોઈન ઈટીએફનો વ્યાપ વધતા રોકાણકારોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે.