1 જુલાઈ , અષાઢી બીજે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩૭મી નગરયાત્રા યોજાશે. દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ગણાતી આ યાત્રાના પ્રારંભનો ઇતિહાસ રોચક છે. ભગવાન જગન્નાથજીને ભાવનગર- નગરની યાત્રા માટે ભગવાન રામ અને માતા જાનકી નિમિત્ત બન્યા હતાં.
૧૯૮૬માં અયોધ્યામાં ભગવાન રામ લલ્લા મંદિરના તાળાં ખુલ્યા આ સંદર્ભે સમગ્ર દેશમાં રામ જાનકીની શોભાયાત્રાનું આયોજન થયું. હિન્દુ જનજાગરણ મહા અભિયાનના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રા ૨૫મી એપ્રિલે ભાવનગરમાં ભીખુભાઈ ભટ્ટ, કરસનભાઈ વસાણી સહિતનાની આગેવાનીમાં ભાવનગરમાં પણ યોજાઈ. યાત્રા ખુબ સફળ રહી અને સમગ્ર ભાવનગર તેને વધાવી. આ શોભાયાત્રાની પ્રેરણા લઇ ભીખુભાઈ એ તે જ સમયે પ્રતિવર્ષ આવો કાર્યક્રમ કરવો જોઇએ તેવી દરખાસ્ત મુકી અને દર અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની નગર ચર્યા- રથયાત્રા યોજવાનું નક્કી કરાયું. શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ કમલેશ્વર મહાદેવથી આ રથયાત્રાના શ્રી ગણેશ તે જ વર્ષે થયા. આમ રામ જાનકીના પગલાં સાથે જગન્નાથજી પણ ભાવનગરમાં આવી પહોંચ્યા.
૮૬થી શરૂ કરી ૧૯૯૦ સુધી આ યાત્રા કમલેશ્વર મહાદેવથી યોજાતી રહી, ૧૯૯૧માં યાત્રાનું પ્રસ્થાન સ્થળ ગોળીબાર હનુમાન મંદિર કરવામાં આવ્યું અને ૧૯૯૨થી શહેરના સુભાષનગર નજીક આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી આ યાત્રા નીકળે છે. ભીખુભાઈ ભટ્ટ હવે હયાત નથી પરંતુ તેમના શિષ્ય કહી શકાય તેવા હરૂભાઈ ગોંડલીયાના નેતૃત્વમાં રથયાત્રા સમિતિ દ્વારા કોરોના કાળ દરમિયાન પ્રતીકાત્મક રીતે પણ યાત્રા યોજી આ વર્ષે સાતત્ય સાથે ૩૭મી નગરયાત્રાનું આયોજન થયું છે.
હરૂભાઈ કહે છે, આ ખૂબ મોટું ટીમ વર્ક છે અને 400 જેટલા કાર્યકરો દોઢથી બે મહિનાની જહેમત ઉઠાવતા હોય છે. 2019માં આ રથયાત્રામાં વિવિધ ૧૧૭ ફલોટ્સ, ટ્રક, ટ્રેકટર ખુલ્લી જીપ વિગેરે જોડાયા હતા અને ચાર લાખ ભાવિકોએ આ રથયાત્રાનું લાભ લીધો હતો. કદની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી અને ૧૮ કિલોમીટર જેટલા રૂટ પર ફરતી ભાવનગરની જગન્નાથજીની રથયાત્રાને વિઘ્નો પણ નડયા છે પરંતુ આજ સુધી આ યાત્રા અટકી નથી. આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સંદેશાઓ સાથે જન જાગૃતિનું પણ કામ કરે છે તેમ હરૂભાઈ ઉમેરે છે.
નોંધનીય બાબત એ પણ છે કે, અષાઢી બીજના દિવસે ભાવનગર શહેર ઉપરાંત વિવિધ તાલુકા મથકો શિહોર, બોટાદ, ગઢડા વિગેરે સ્થળોએ મળી ૭ શોભાયાત્રા વિવિધ ઉપક્રમ સાથે યોજાય છે. કહી શકાય કે, અયોધ્યાના રામ સાથે પુરીથી જગન્નાથજી ભાવનગર પહોંચ્યા અને હવે નાના શહેર અને ગામડાં સુધી પણ તેઓ પહોંચી ચૂક્યા છે. સામાન્ય રીતે ભગવાનના દર્શન કરવા મંદિર જવું પડે, પરંતુ આ દિવસે ખુદ ભગવાન ભાવિકોના દ્વારે પહોંચે આ ધટના જ વિશેષ છે.