દેશમાં રાજકીય રીતે અત્યંત પ્રતિષ્ઠાજનક મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થયુ છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો ઝારખંડમાં બીજા તબકકાની 38 બેઠકો ઉપરાંત ચાર રાજયોની 15 વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. આજે સવારથી મતદાન શરૂ થતાની સાથે જ મતદારો ઉત્સાહભેર ઉમટયા હતા અને ઠેકઠેકાણે લાઈનો જોવા મળી હતી, દિગ્ગજ નેતાઓ, ફિલ્મી સિતારા, ઉદ્યોગપતિઓ સહીતનાં સેલીબ્રીટીઓએ મતદાન કર્યુ હતુ.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે આજે એક જ તબકકામાં મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપ, એકનાથ શિંદે તથા અજીત પવારવાળી મહાયુતિ સામે કોંગ્રેસ-શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડીનો સીધો નિર્ણાયક જંગ રહ્યો છે.સંઘવડા મોહન ભાગવત, શરદ પવાર, અજીત પવાર, સુપ્રિયા સુલે, સચીન તેંડુલકર, અક્ષયકુમાર, વગેરેએ મતદાન કર્યુ હતુ. રાજયની 288 બેઠકો પર કુલ 4126 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને 9.70 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નકકી કરશે બસપા પણ 237 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.ઉપરાંત અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે.
બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબકકાની બાકીની 38 બેઠકો પર મતદાન યોજાય રહ્યું છે. રાજયમાં ભાજપ તથા સોરેનના જેએએમ વચ્ચે સીધો જંગ છે.રાજયમાં ચૂંટણી મતદાનનો પ્રથમ તબકકો ગત 13મીના રોજ યોજાયો હતો. આ સિવાય દેશનાં ચાર રાજયોમાં 15 વિધાનસભા બેઠકો તથા એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ઉતરપ્રદેશમાં 9 ઉપરાંત પંજાબમાં ચાર તથા ઉતરાખંડ-કેરળની 1-1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી છે તેવી જ રીતે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણીનું મતદાન છે.ચૂંટણીમાં લોકોનો જોરદાર ઉત્સાહ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની ગરીમા વધારવાનું આહવાન કર્યું હતું. મહિલાઓ તથા યુવા મતદારોને મતદાન કરવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. મતદાનનો રેકોર્ડ સર્જવા અપીલ કરી હતી.