દિલ્હીમાં છેલ્લા 20 દિવસથી સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે.
બીજી તરફ, જો GRAP-4 લાગુ કરવામાં આવશે તો 12મા સુધીના તમામ વર્ગો ઓનલાઈન ચાલશે. પહેલા રાજ્ય સરકારોને શાળાઓ સંબંધિત આ નિર્ણય લેવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને નિયમ બનાવી દેવામાં આવ્યો છે.
રાજધાનીમાં બુધવારે સતત 5માં દિવસે AQI 400થી ઉપર નોંધાયો હતો. AQI અનુસાર, આ પ્રદૂષણની ‘ગંભીર’ કેટેગરી છે. દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ માહિતી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે જજોને ડિજિટલ સુનાવણીનો વિકલ્પ આપ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાએ કહ્યું કે જ્યાં પણ શક્ય હોય, કોર્ટે ત્યાં ડિજિટલ રીતે સુનાવણી હાથ ધરવી જોઈએ. વકીલો વર્ચ્યુઅલ રજુઆત કરી શકે છે. ખરેખરમાં કપિલ સિબ્બલ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોએ આ માંગણી કરી હતી. કોર્ટે તેના સ્ટાફ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.