ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર અને સીઈઓના નામ પણ આરોપી તરીકે ઉમેરાયા છે. હાલ તંત્ર દ્વારા સંચાલકો અને હોસ્પિટલના બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. આરોપી તરીકે બંનેના નામ ઉમેરવામાં આવશે.
માહિતી મુજબ રાહુલ જૈન દર્દીઓના ઓપરેશનની તૈયારી કરતો હતો. જેમાં સારવારના દિવસો, આઉટસોર્સ તબીબની વ્યવસ્થા રાહુલ દ્વારા કરવામાં આવતી હતી.ઉપરાંત માર્કેટિંગ મેનેજર મિલિંદ કેમ્પ માટે વિવિધ ગામના સરપંચની મદદ લેતો હતો. જેમાં કયા ગામમાં કેમ્પનું આયોજન કરવાનું છે જેવી બાબતોનું ધ્યાન મિલિંદ દ્વારા કરવામાં આવતું હતુ. ત્યારે સમગ્ર ઘટનામાં ખ્યાતિ હોસ્પિટલ અને સંચાલકોના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ અને તપાસ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફની પૂછપરછમાં પણ મોટા ખુલાસા સામે આવ્યા છે.
તપાસ થાય તો આવી ઘણી હોસ્પિટલો સામે આવશે : અમિત ચાવડા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે. સરકાર પર પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ તો એક જ કિસ્સો છે. જો રાજ્યમાં આવી તપાસ થાય તો આવી ઘણી હોસ્પિટલો સામે આવશે. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ છે. મેડિકલ માફિયાઓ બેફામ એટલા માટે છે કે સરકાર તેમને પ્રોત્સાહન આપે છે, એવું પણ કહેવાય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં નેતાઓના પૈસાનું રોકાણ છે. આવી ઘણી હોસ્પિટલો છે જે ભાજપના મળતિયાઓના પૈસાથી શરૂ કરાઈ છે.