આજથી ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન શિબિર સોમનાથ ખાતે શરૂ થવા જઈ રહી છે. જેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે. રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર ત્રણેય દિવસોનો સામુહિક યોગથી પ્રારંભ થશે.
રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો આજે તા.21 ગુરૂવારથી જગવિખ્યાત સોમનાથ ખાતે પ્રારંભ થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.ઉલ્લેખનીય છે કે સરકારની ચિંતન શિબિર બાદ ગમે ત્યારે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ જાહેર થશે, જેથી આ ચિંતન શિબિરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચિંતન થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ- 2003થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે. આ પરંપરાને આગળ વધારતા 11મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે. આ શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.