ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકવાદીઓ મુદે સતત વધી રહેલા તનાવમાં હવે કેનેડીયન અખબારોએ એવો દાવો કર્યો છે કે, 2023માં કેનેડામાં શીખ આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા ભારત સરકારના ઈશારે કરવામાં આવી હતી. તે અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ષડયંત્રની જાણ હતી.
કેનેડાની સરકારના અધિકારી જેનુ નામ જાહેર કરાયુ નથી તેના હવાલે આ સમાચાર કેનેડામાં અખબારોએ પ્રસિદ્ધ કર્યો છે અને લખ્યુ છે કે, નિજજરની હત્યાના ષડયંત્ર અંગે ભારતના વડાપ્રધાનને ખ્યાલ હતો.
અગાઉ કેનેડાએ આ હત્યામાં ગૃહમંત્રી અમીત શાહની પણ સંડોવણી દર્શાવી હતી અને હવે આ નવા રિપોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને વિદેશમંત્રી એસ.જયશંકર પણ ષડયંત્ર અંગે જાણતા હતા તેવું દર્શાવાયુ છે.
કેનેડાએ આ ષડયંત્રના સમયમાં કેનેડા ખાતેના ભારતના રાજદૂત સંજય વર્મા સહિતના અધિકારીઓને સંડોવણી દર્શાવતા સલામતી ખાતર ભારતે વર્મા સહિત છ ડિપ્લોમેટને પરત બોલાવી લીધા હતા.જો કે ભારત સરકારે આ પ્રકારના દાવાને ફગાવી દીધા છે. વિદેશ વિભાગના પ્રવકતા રણવીર જયસ્વાલે પ્રતિભાવમાં કહ્યું કે આ પ્રકારના હાસ્યાસ્પદ દાવાઓને તેમાં જે રીતે હકકદાર છે તેવા તિરસ્કાર સાથે ફગાવી દેવાવા જોઈએ.
આ પ્રકારે બદનામ કરવાના અભિયાનથી બન્ને દેશોના બગડેલા સંબંધોને વધુ વણસાવશે તે નિશ્ચિત છે. કેનેડાના ધ ગ્લોબલ એન્ડ મેલ નામના અખબારમાં પ્રસિદ્ધિ માટે હાલમાંજ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા થયા તે બાદ હવે આ નવો તનાવ સર્જાયો છે.