અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલી શાહઆલમ સોસાયટીના એક મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરીને 1.23 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ, બે પિસ્તોલ, 48 જીવતા કારતૂસ, જીપીએસ ટ્રેકર, 18.27 લાખ રોક્ડ ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચ ડ્રગ્સ માફિયા તેમજ હથીયારના સોદાગર જીશાન ઉર્ફે દત્તા પાવલેની ધરપકડ કરી છે.
જીશાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવેલું હતું. તે હોલસેલ ડ્રગ ડીલર હતો અને તેણે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠવ્યું હતું. તે ક્યાંય એમડી કે ડ્રગ્સ જેવા શબ્દો વાપરતો નહીં અને વન ટાઇમ વ્યુનો ઉપયોગ કરીને ફોટો મોકલતો હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલા કોડમાં માલ આ ગયા…પુડિયા…કોઈ ડર નહીં… જેવા કોડનો ઉપયોગ કરતો હતો. જીશાનની પૂછપરછમાં ડ્રગ્સ અને હથીયારની તસ્કરી પાછળના ઘણા રહસ્યો ખુલ્યા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલી શાહઆલમ સોસાયટીમાં રહેતા જીસાન ઉર્ફે દત્તા પાવલે મેમણે તેના ઘરમાં એમડી ડ્રગ્સ છુપાવીને રાખ્યુ છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરવાનો પ્લાન કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના PI એમ. પી. ચૌહાણ, PSI જે. એસ. રાઠોડ સહિતની ટીમે જીશાનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ક્રાઇમ બ્રાંચે જીશાનની અટકાયત કરી લીધી હતી અને બાદમાં ઘરનું સર્ચ કર્યુ હતું. સર્ચ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહીં, જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે સ્ટોર રૂમમાં ગઇ હતી.
સ્ટોર રૂમમાં ચેકિંગ દરમિયાન એક શુઝનું બોક્સ મળી આવ્યુ હતું. ક્રાઇમ બ્રાંચે બોક્સ ખોલીને જોતા તેમાંથી ક્રિસ્ટલ, પાઉડર અને કોઇ પદાર્થના ટુકડા મળી આવ્યા હતા. આ સાથે બોક્સમાં ઝીપલોક વાળી થેલીઓ તેમજ અલગ-અલગ ડિજિટલ કાંટા પણ મળી વ્યા હતા. શુઝના બોક્સમાં મળી આવેલા પાઉડર અને પદાર્થ મામલે ક્રાઇમ બ્રાંચે જીશાનને પુછતાં તેણે નફ્ફટાઇ પૂર્વક એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. એમડી ડ્રગ્સનું સાંભળતાની સાથેજ ક્રાઇમ બ્રાંચની ટીમે તરતજ એફએસએલ અધિકારીને જાણ કરી દીધી હતી.
એફએસએલની ટીમ જીશાનના ઘરમાં આવે ત્યા સુધી ક્રાઇમ બ્રાંચે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાંચને જીશાનના ઘરમાંથી પિસ્તોલ, કારતુસ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચ પલંગ ચેક કરી રહી હતી, જ્યાં એક બેગ મળી આવી હતી. તે ખોલીને જોતા તેમા એક ઓટેમેટીક પિસ્તોલ અને દેશીબનાવટની પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ સાથે ક્રાઇમબ્રાંચને 48 જીવતા કારતૂસ અને 24 ફુટેલા કારતુસ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બન્ને પિસ્તોલ જપ્ત કરી છે અને જીશાને 24 રાઉન્ડ ફાયરીંગ ક્યા કર્યુ છે તેની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે પિસ્તોલ મામલે જીશાનની પુછપરછ કરી પરંતુ તેણે કઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.