અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્ત્વની સફળતા હાથ લાગી છે. ખ્યાતિકાંડ મામલે ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાયા બાદ અન્ય આરોપીઓ ફરાર હતા તે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પ્રતીક અને પંકિલની ધરપકડ કરી લેવામાં આવી છે. રાહુલ જૈનની ઉદયપુરથી, જ્યારે અન્ય ચાર આરોપીને ખેડાના કપડવંજ પાસેના એક ફાર્મમાંથી ઝડપી પાડ્યા છે.
પાંચેય આરોપી ઝડપાતાં જ પોલીસ પૂછપરછમાં તેમનાં કારનામાં સામે આવ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલનો સીઇઓ ચિરાગ રાજપૂત મહિને સાત લાખ રૂપિયાનો પગાર લેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિલિન્દ પટેલ નેગોશિયેબલ એક્ટના કેસમાં એક વર્ષની જેલની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
ચિરાગ રાજપૂતે શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં અલગ-અલગ હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળે છે, જેનો માસિક પગાર રૂપિયા સાત લાખનો છે. આ ગુનામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તોપણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો તેમજ ડોક્ટરને પણ તેની સૂચનાનુ પાલન કરવું પડતું હતું. હોસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મૂકવાની પ્રોસિજર સમયે તે હાજર રહેતો.
રાહુલ જૈન હોસ્પિટલમાં સી.ઈ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પિટલમાં તમામ ઓડિટો સાથે રહી કરાવતો હતો. ઓડિટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેક્ટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા પંકિલ અને પ્રતીક નામના આરોપીઓ માર્કેટીંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. તેઓ અલગ અલગ ગામના સરપંચ અને લોકોનો સંપર્ક કરતા હતા. નાની મોટી હોસ્પિટલમાં સંપર્ક કરી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરાવતા અને જે તે ડોકટરને કમિશન પણ આપવાનું કહેતા હતા.
ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ શરૂઆતમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપી ફરાર હોઇ તેમની શોધખોળ ચાલી રહી હતી. એમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઈ, તેમની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે.