ઇઝરાયલની યુદ્ધ કેબિનેટે લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે. મંગળવારે મોડી રાત્રે આ અંગે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ યોજનાને પહેલા જ મંજૂરી આપી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ યુદ્ધવિરામને ‘સારા સમાચાર’ ગણાવ્યા છે. તેમણે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી સંબોધન કર્યું હતું. તેમાં તેણે કહ્યું કે ઈઝરાયલ અને લેબનનની સરકારોએ ‘ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. બાઈડને કહ્યું કે બંને દેશો વચ્ચેની ડીલ હેઠળ લેબનન-ઈઝરાયલ બોર્ડર પર લેબનન સમય અનુસાર બુધવારે સવારે 4 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે સવારે 7:30 વાગ્યે) યુદ્ધ બંધ કરવામાં આવશે.
બાઈડને આ પગલાને કાયમી યુદ્ધવિરામ માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોના જે પણ અવશેષઓ બાકી રહેશે તેને સહન કરવામાં આવશે નહીં. તેણે એમ પણ કહ્યું કે જો હિઝબુલ્લાહ અથવા અન્ય કોઈ કરારનું ઉલ્લંઘન કરે છે અને ઈઝરાયલ માટે ખતરો ઉભો કરે છે તો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઈઝરાયલને આત્મરક્ષાનો અધિકાર હશે.
પીએમ નેતન્યાહુએ કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ આ સમયે સમયની જરૂરિયાત છે કેમ કે ઇઝરાયલી સેના હાલ ઈરાન સામેથી મળી રહેલાં પડકાર ઉપર ફોકસ કરવા માગે છે. તેમનું બીજું કારણ એ છે કે ઇઝરાયલી સેનાના હથિયાર સ્ટોકને વધારવાની જરૂરિયાત છે.
ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે આમાં સંતાડવાની કોઈ વાત નથી કે હથિયારો અને ગોળા બારૂદની ડિલિવરીમાં ખૂબ જ સમય લાગી રહ્યો હતો. અમારે હજુ પણ વધુ અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે જેથી કરીને અમારા સૈનિકો સુરક્ષિત રહે અને અમે બમણા બળથી જવાબી કાર્યવાહી કરી શકીએ. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ પણ હમાસને અલગ કરવાનો એક માર્ગ છે. હમાસ શરૂઆતથી જ હિઝબુલ્લાહ પર નિર્ભર હતું. તે યુદ્ધમાં હિઝબુલ્લાહની મદદ લઈ રહ્યું હતું. હવે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ બાદ તેમને અલગ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરીને હમાસને મદદ કરશે તો ઈઝરાયલ જવાબી કાર્યવાહી કરશે.
યુદ્ધવિરામ પહેલા ઇઝરાયેલે લેબનન પર હુમલો કર્યો, 10 લોકો માર્યા ગયા
યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો પહેલા જ ઇઝરાયેલે લેબનનની રાજધાની બેરૂત પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ પહેલા રવિવારે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે આ હુમલા માટે 250થી વધુ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. અહેવાલ મુજબ નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયેલના અધિકારીઓ સાથે યુદ્ધવિરામ યોજના પર પણ ચર્ચા કરી હતી. ઇઝરાયેલે 27 સપ્ટેમ્બરે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને એક હુમલામાં માર્યો હતો. ત્રણ દિવસ પછી, ઇઝરાયેલે 1 ઓક્ટોબરની મોડી રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું.