બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તેમ હોય તો મોદી સરકારે અન્ય રસ્તાઓ વિચારવા જોઈએ. નાગપુરમાં ’સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સુનિલ આંબેકરે કહ્યું, “કેન્દ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવા નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જાય તો તેના માટે આપણે બીજો રસ્તો શોધવો પડશે.
આરએસએસના નેતાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો ઉદ્દેશ્ય હિંદુ સમુદાયને ઉખેડી નાખવાનો છે. માત્ર બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં જ આવી રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. અમે હિંદુઓ પર અત્યાચાર સહન નહીં કરીએ. જો આપણે આના પર કંઈ નહીં કરીએ તો આવનારી પેઢીઓ આપણા મૌન પર સવાલ ઉઠાવશે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે આ સમયે મુઘલ શાસનની યાદ અપાવે છે.
તેમણે કહ્યું, “આપણા મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે. લૂંટવામાં આવી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ બધું જોઈને દરેક હિંદુને ગુસ્સો આવવો જોઈએ. આ ઘટનાઓની માત્ર નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી. આપણે માત્ર ગુસ્સા અને દુ:ખમાંથી બહાર આવીને આગળ વધવાની જરૂર છે. બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, “નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાના નેતૃત્વમાં દેશમાં શાંતિ ન હોઈ શકે. તે અત્યાચાર રોકવા માટે કંઈ કરી રહ્યા નથી. આંબેકરે એમ પણ કહ્યું કે, કેટલીક વૈશ્ર્વિક શક્તિઓને ઓળખવાની જરૂર છે, જે બાંગ્લાદેશમાં હિંસા ફેલાવી રહી છે. આપણે તેને ઓળખીને તેનો પર્દાફાશ કરવાની જરૂર છે. તેમને બતાવી દેવાની જરૂર છે કે આપણા દેશમાં કે અન્ય દેશોમાં હિંદુઓ વિરુદ્ધ આવી ઘટનાઓ બંધ કરો. ઓક્ટોબર મહિનામાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.