કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે , સરકાર ડ્રાઇવરોના કામના કલાકોને ટ્રેક કરવા માટે એક સિસ્ટમ પર કામ કરી રહી છે. ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડ્રાઇવરો મોટાભાગે દિવસમાં 12 કલાકથી વધુ કામ કરે છે, જે તેમની સલામતી અને ઉત્પાદકતા પર નકારાત્મક અસર કરે છે, ખાસ કરીને જેઓ ભારે વાહનો ચલાવે છે.
ગડકરીએ કહ્યું કે તાજેતરમાં જયપુમાં એક અકસ્માત થયો હતો, જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં સામેલ LPG ટેન્કરનો ડ્રાઈવર 12 કલાકથી વધુ સમય સુધી ડ્રાઇવિંગ કરતો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપઅને અન્ય વિકસિત દેશોમાં ડ્રાઇવરોને વધુમાં વધુ 8 કલાક સુધી વાહન ચલાવવાની છૂટ છે. જોકે ભારતમાં 8 કલાક ડ્રાઇવિંગનો નિયમ અનુસરવામાં આવતો નથી.
તેમણે વધુમાં કહ્યું કે સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે. આવો જ એક ઉકેલ એ છે કે ડ્રાઇવરોના કામકાજના કલાકોને તેમના આધાર કાર્ડ સાથે ટ્રૅક કરતી સિસ્ટમને લિંક કરવી, જેનાથી ડ્રાઇવરો તેમના કાર્ડ સ્વાઇપ કરીને તેમના કલાકો લૉગ કરી શકે. વધુમાં, ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે સરકાર તમામ નવા ભારે વાહનોમાં ડ્રાઈવરોને સુસ્તી વિશે ચેતવણી આપવા માટે ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ઓડિયો એલર્ટ જેવી સુવિધાઓ બનાવવા માટે કામ કરી રહી છે.
માર્ગ પરિવહન સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે સરકાર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રાઇવરોના કામના કલાકો પર નજર રાખવા માટે ઝડપથી કામ કરી રહી છે. વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ અને આધાર કાર્ડને ડ્રાઈવિંગના કલાકોની દેખરેખ માટે એકીકૃત કરી શકાય છે. તમામ કોમર્શિયલ વાહનો માટે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ પહેલાથી જ ફરજિયાત છે.