પતંગ ઉડાડવામાં બીજાના પેચ કાપવાની ઘેલછામાં લોકો દ્વારા તીક્ષણ અને કાતિલ દોરીનો ઉપયોગ થતો હોય છે જે અન્ય લોકો માટે તેમજ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. ગઈ કાલે ઉત્તરાયણના પર્વે અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા છે તો શહેરના ચીત્રામાં એક યુવાનનું ગળું કપાયું હતું, સમયસરની સારવાર મળતા યુવાનનો જીવ બચી ગયો છે પરંતુ ગળાના ભાગે 40 જેટલા ટાંકા લેવા પડ્યા છે.
ઉપલબ્ધ વિગતો મુજબ ધોલેરા પંથકના અને ભાવનગરમાં રહી હીરાની ઓફિસમાં કામ કરતા નિકુલભાઇ જસમતભાઈ પરમાર (ઉંમર વર્ષ 19, રહે. રામદેવ નગર કુંભારવાડા ભાવનગર) ગઈકાલે ઉતરાયણના દિવસે તેમના પિતાને વતન જવા માટે બાઈક પર નારી ચોકડી મૂકીને પરત આવી રહ્યા હતા ત્યારે બપોરના 12. 15 વાગ્યાના સુમારે ચિત્રા પ્રેસ કવાર્ટર પાસે હવામાં રહેલી પતંગની દોરી આ યુવાનના ગળાના ભાગે આવીને ઘસાતા યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો અને સ્થળ પર જ પછડાઈ પડ્યો હતો.
બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા આ સમયે સીટી ટ્રાફિકમાં ફરજ બજાવતા વાહીદ શાહને જાણ થતા ઇજાગ્રસ્ત યુવકને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડેલ પરંતુ વધુ સારવારની જરૂર જણાતા 108 બોલાવીને સર ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવાનના પિતા જસમતભાઈ પરમારે જણાવ્યું હતું કે ગળામાં દોરી વાગવાથી તેમના પુત્રને 40 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે, હાલ તે બોલી શકતો નથી માત્ર ઈશારા વડે વાતચીત કરે છે.
મહુવામાં અગાસી પરથી પટકાતા આધેડનું મોત
મહુવાના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા રાજુભાઈ લવજીભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 45) તારીખ 14 જાન્યુઆરીના સાંજના સુમારે તેમના ઘરે અગાસી પરથી પડી જતા સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની તખતસિંહ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ઇમરજન્સી વોર્ડના ફરજ પરના તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા.