માણાવદરના સમેગા ગામના 32 વર્ષીય કૌશિક મારુ, છેલ્લા દસ વર્ષથી રાજકોટ રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. 26 જાન્યુઆરીએ રેવા-રાજકોટ ટ્રેન નંબર 22938માં ફરજ પર હતા, ત્યારે 28 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઈટારસી પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
મારુના આરોપ મુજબ, પોલીસે તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા અને ચોરીના આરોપમાં નિર્દયી રીતે માર માર્યો હતો. માર મારવાના કારણે તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે અને હાલમાં તેઓ લંગડાતી હાલતમાં ચાલી રહ્યા છે. તેણે જણાવ્યું કે માર મારતા તેને મળમૂત્ર અને ઉલટીઓ થઈ હતી, છતાં પોલીસે દયા ન બતાવી. તો આ મામલે રેલવે પોલીસ પર કાયદેસર કાર્યવાહી કરવા રેલવે કોન્ટ્રાક્ટર કંપની થરૂ એન્ડ સન્સ દ્વારા લેટર લખીને રાજકોટ રેલવે ડિવિઝનને રજૂઆત કરાઈ છે.
કૌશિક મારુ જણાવ્યુ હતુ કે, હું રેલવેના એટેન્ડન્સમાં 10 વર્ષથી નોકરી કરું છું. મારા પર છેલ્લા દસ વર્ષમાં કોઈપણ પ્રકારનો હજુ સુધી આરોપ લાગ્યો નથી. મેં કોઈનો પણ એક રૂપિયો ત્યાં સુધી ખોટો કર્યો નથી. ત્યારે 26 જાન્યુઆરીના રાજકોટ રેવાથી રાજકોટ ટ્રેન નંબર 22938ની ટ્રેનમાં મારી નોકરી પર ગયો હતો. ત્યારે 28 જાન્યુઆરીના મધ્યપ્રદેશના ઇટારસી પોલીસે 10 મિનિટની પૂછપરછ માટે તેની સાથે લઈ ગઈ હતી. જ્યાં પોલીસે ત્રણ દિવસ સુધી ચોરીના આરોપમાં મને ગાંધી રાખી ઢોર માર્યો હતો.
પીડિતે જણાવ્યુ હતુ કે, મારા શરીરના પાછળના ભાગે ચાંભા કરી દેવામાં આવ્યા છે. પાંચ દિવસથી હજુ ચાલી પણ નથી શકતો. મને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે, મને પેન્ટમાં જ મળમૂત્ર થઈ ગયા હતા અને મોઢેથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી. પરંતુ ઈટારસી પોલીસે મારા પર દયા ખાધી ન હતી. અને મને મારા પરિવાર સાથે પણ વાત કરવા દીધી ન હતી. મને માર્યા બાદ ત્યાંની પોલીસે મારો વીડિયો બનાવી મારી પાસે કબૂલાવ્યું કે આ પોલીસે મને માર માર્યો નથી કે મારી પાસેથી પૈસા લીધા નથી. મને માત્ર પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પૂછપરછ કરી છોડી મૂકવામાં આવ્યો છે અને હજુ પણ પૂછપરછ માટે બોલાવીશું, આવો વીડિયો બનાવી લીધો હતો.