ગુજરાતમાંયુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોના સૂચન પર કામ કરશે. આજે મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે જાહેરાત કરશે.
દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. nપર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.