દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે સોમવારે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી-એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હી-એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી. એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા.
સોમવારે સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કર્યું. તેમણે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી. તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 5:36 વાગ્યે દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉના ભૂકંપોથી વિપરીત, આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવસ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિમી નીચે હતું. ઘણા સમય પછી, દિલ્હી-એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો. તેનું કેન્દ્ર દિલ્હી હતું. દિલ્હી-એનસીઆર- 4ની તીવ્રતા,
સિક્કિમ- 2.3, ઓડિશામાં પુરી- 4.7, બિહારનું સિવાન- 4, હરિયાણા- 4, બાંગ્લાદેશ- 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આજે સવારે દિલ્હી-એનસીઆર પછી લગભગ અઢી કલાક પછી, બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સિવાન હતું. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. અહીં, સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરિસ્થિતિ સામાન્ય છે.