આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. તાપમાનમાં સતત વધારાને કારણે ગરમીનું સ્તર પણ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી હવામાન આવું જ રહેવાની શક્યતા છે.
હાલમાં તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, તેથી ગુજરાતીઓને ગરમીનો સામનો કરવો પડશે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હાલમાં ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજસ્થાનના મેદાની વિસ્તારોમાંથી ગરમ પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાન સતત વધી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો થયો. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, વડોદરામાં લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.