ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે ફરી વધી રહેલા તનાવમાં પાક. સેનાએ પુંછ સરહદ પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરતા ભારતીય દળોએ વધતો જવાબ આપીને પાક બંદૂકના નાળચાને શાંત થવાની ફરજ પડી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત પાકદળોએ અંકુશ રેખા પર આ હરકત કરી છે. ખાસ કરીને હિમ પીગળતા જ ત્રાસવાદીઓને ઘુસાડીને કાશ્મીરમાં અશાંતિ સર્જવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે સવારે 11 વાગ્યે પાક દળોએ પુંછ સેકટરમાં હળવી મશીનગનથી ભારે ગોળીબાર શરૂ કર્યો હતો. અગાઉ પાક સેનાના આ પ્રકારના ગોળીબારમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા. બાદમાં ભારતીય દળોએ સતર્કતા વધારી દીધી છે અને ગઈકાલે વળતો જવાબ આપ્યો હતો અને પાક ચોકીઓને નુકશાન પહોંચાડયુ હતું. કાશ્મીર ખીણમાં છેલ્લા બે દિવસમાં આ યુદ્ધ બીજી વખત પાક સેનાએ શાંતિ ડખોળવાનો પ્રયાસ કર્યો છે અને સરહદ પર ભુગર્ભ સુરંગ પણ બીછાવી છે. વધેલા સરહદી તનાવથી ભારતીય દળો એલર્ટ થઈ ગયા છે અને વધુ ટુકડીઓ સીમા પર તૈનાત થઈ છે.