ભાવનગર શહેરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાં ફળિયામાં રાખેલાં ઘોડીયામાં સુતેલી ચાર માસની બાળકીને કૂતરાઓએ ફાડી ખાતા બાળકીને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
ભાવનગર શહેરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી-૨માં રહેતા અને કડીયા બેલદારી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હિંમતભાઈ વાલજીભાઈ ભાલીયા સવારે ક્રમ પ્રમાણે તેમના કામે ગયા હતા અને પત્ની તેમની ચાર માસની માસૂમ પુત્રી કાવ્યાને ફળિયામાં રહેલાં ઘોડીયામાં સુવડાવી કપડા ધોવા ગયા હતા ત્યારે, શેરીમાં રખડતાં બે કૂતરા ત્યાં ધસી આવ્યા હતા અને માસૂમ બાળકીને ઢસડીને લઈ ગયા હતા. બન્ને શ્વાને બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખી હતી.
જો કે, હિંમતભાઈના ભાભી આવી જતાં તેમને શ્વાનના મોં માંથી બાળકીને બચાવી ગંભીર અને લોહીયાળ હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવારમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી સાથે આધાત છવાયો હતો.