વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલે રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે રાખેજ પાટીયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોને કનૈયા એન્ટરપ્રાઈઝના (નંબર GJ11Z9555) પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યા છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.
આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.