હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતાં પકડાયા બાદ વધુ એક યુટ્યૂબર હેડલાઇન્સમાં છે. આ યુટ્યૂબરનું નામ નવાંકુર ધનખર છે અને તે ‘ડોક્ટર યાત્રી’ નામથી એક યુટ્યૂબ ચેનલ ચલાવે છે. આ ‘ડોક્ટર યાત્રી’એ ગયા વર્ષે માર્ચમાં પાકિસ્તાન દૂતાવાસની નેશનલ ડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી, જ્યાં જ્યોતિ પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશને મૈત્રીપૂર્ણ રીતે મળતી જોવા મળી હતી.
જ્યોતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડોક્ટર યાત્રી યુટ્યૂબ ચેનલ ચલાવનાર નવાંકુર ધનખર સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જ્યોતિની જેમ તે પણ પાકિસ્તાન ગયો છે. તેણે તેના એકાઉન્ટ પર તેના ફોટા પણ શેર કર્યા. જે પછી તેના પર સોશિયલ મીડિયા પર જાસૂસ હોવાનો આરોપ પણ લાગ્યા, જોકે ધનખરે એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તે હાલમાં આયર્લેન્ડમાં છે. જો મેં કંઈ ખોટું કર્યું હોય તો ભારતીય પોલીસ એરપોર્ટ પર જ પકડીને મને જેલમાં ધકેલી દે.
રોહતકમાં જન્મેલા, મદ્રાસથી MBBS કર્યું: નવાંકુર ધનખરનો જન્મ 2 માર્ચ 1996ના રોજ હરિયાણાના રોહતકમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેણે રોહતકમાં જ પોતાનું સ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેણે મદ્રાસ મેડિકલ કોલેજ (2015 બેચ)માંથી MBBSની ડિગ્રી મેળવી, જોકે આ પછી તે રોહતકને બદલે મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો.
ડોક્ટરની પ્રેક્ટિસમાં મન લાગતું નહોતું, પછી ટ્રાવેલિંગ શરૂ કર્યુ: MBBS ડિગ્રી મેળવ્યા પછી પણ તેને ડોક્ટરની પ્રેક્ટિસમાં તેનું મન લાગતું નહોતું. તેની રુચિ મુસાફરી અને બ્લોગિંગ પ્રત્યે વધતી ગઈ. 30 સપ્ટેમ્બર 2017ના રોજ તેણે પોતાની યુટ્યૂબ ચેનલ ‘ડોક્ટર યાત્રી’ શરૂ કરી, જેના દ્વારા તે પોતાના પ્રવાસના વીડિયો અને અનુભવો લોકો સાથે શેર કરીને ફેમસ થયો. ટ્રાવેલ બ્લોગ ઉપરાંત તે બીજી ચેનલ પર સવાલ-જવાબના વીડિયો પણ પોસ્ટ કરે છે. 95થી વધુ દેશોની મુલાકાત લીધી છે: નવાંકુરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેનું સ્વપ્ન વિશ્વના દરેક દેશમાં મુસાફરી કરવાનું છે. અત્યારસુધીમાં તેણે 95થી વધુ દેશોની મુલાકાત લીધી છે. આમાં પાકિસ્તાન, દુબઈ, નેપાળ, મલેશિયા, સિંગાપોર, રશિયા, માલદીવ્સ, શ્રીલંકા અને જાપાનનો પણ સમાવેશ થાય છે.