જતીન સંઘવી : સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ જાેર દેખાડ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીના પ્રવાહ સામે જર્જરીત નદી-નાળા અને ડાયવર્ઝન જાક ઝીલી શક્યા નથી. પરિણામે કેટલીય જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે જેમાં ભાવનગર એસ.ટી. તંત્રના બે એક્સપ્રેસ રૂટ પણ પ્રભાવિત થતા હાલ આ રૂટ પરની એસ.ટી. બસ સેવા બંધ કરવી પડી છે.
ભાવનગરથી શિરડી વચ્ચે આંતરરાજ્ય બસ સેવા ચાલી રહી છે. આ રૂટ પર બસ સાપુતારા થઇને ચાલે છે. દરમિયાનમાં ભારે વરસાદના પગલે સાપુતારા નજીક રસ્તો બ્લોક થતા શિરડીથી ભાવનગર રૂટની તેમજ ભાવનગરથી શિરડી રૂટની બંને બસ સામ-સામે છેડે અટવાઇ છે. જાે કે, બંને બસ સુરક્ષિત સ્થાનો પર છે. જ્યારે આજે સવારે ૧૦ વાગ્યે અહીંથી ઉપડનારી ભાવ.-શિરડી બસને તાકિદના ધોરણે કેન્સલ કરી દેવાઇ હતી. જ્યારે ભાવનગર-જામજાેધપુર વચ્ચે ચાલતી એક્સપ્રેસ બસને પણ બંધ કરવાની નોબત આવી છે.
ભાવનગરના સિનીયર ડેપો મેનેજર કે.જે. મહેતાએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર-જામજાેધપુર રૂટની બસ હાઇવે પર એક પુલ તુટી જવાના કારણે ગામડાઓમાં થઇને ચાલે છે પરંતુ હાલની સ્થિતિમાં આ રૂટ પર બસ ચલાવવી યોગ્ય નહીં લાગતા આ રૂટ બંધ કરાયો છે. આ સિવાયના અન્ય એક્સપ્રેસ અને લોકલ રૂટ પર હાલ સંચાલન પૂર્વવત રીતે થઇ રહ્યું છે. સમય અને સ્થિતિ મુજબ ફેરફારો આવી શકે છે.