બોગસ બીલિંગ મામલે ભાવનગર સીજીએસટી વિભાગને મહત્વપૂર્ણ કહી શકાય તેવા ઇનપુટ મુંબઈથી હાથ લાગતા શહેરના નવાપરા સ્થિત એક ફ્લેટમાં ગત સાંજે રેડ કરી હતી. ‘ચોરી પર સીના જાેરી’ માફક બોગસ બીલિંગ સાથે સંકળાયેલા તત્વોએ જીએસટી અધિકારીઓને ધોકા અને ગડદા પાટુંનો માર મારતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે તંત્ર વાહકો માટે પણ વટનો સવાલ બનતા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાઈ છે અને કોઈ પણ છટકી ન જાય તે માટે તંત્રએ કડકાઈ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરમાં બોગસ બીલિંગની માસ રેડ બાદ ઘોશ વધતા બોગસ બીલિંગ કરતી આણી મંડળીએ અમદાવાદ, સુરત અને મુંબઈના એડ્રેસ પર જીએસટી નંબરો મેળવી કારોબાર શિફ્ટ કર્યો હતો. જાેકે, સમગ્ર કામગીરી ભાવનગરથી ઓનલાઈન થતી હોવાની ઇનપુટ મુંબઈથી મળી હતી. જયારે ટેકનોલોજીના આધારે સીજીએસટીની ટીમ ગઇકાલે નવાપરા સ્થિત મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૩૨૧માં પહોંચી હતી ત્યાં તેની સાથે ગાળાગાળી અને મારામારી સહિતનો ઘટનાક્રમ બન્યો હતો. દરમિયાનમાં સીજીએસટી વિભાગે આ પ્રકરણમાં હવે વધુ આક્રમકતા દાખવી છે અને આ ગૃપ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિની જીએસટીને લગતી હિલચાલ પર ચાર નજર કરાઇ છે. જીએસટી વિભાગના સુપ્રિએ જણાવ્યું હતું કે, વલ્લી હાલારી અને તેના માણસો દ્વારા ૧૫ જેટલા જુદા જુદા લોકોના ડોક્યુમેન્ટ પર બોગસ બિલીંગની પ્રવૃત્તિ આચરાઇ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. વધુ ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.
કોઇને ગંધ ન આવે એટલે રહેણાંકી ફ્લેટમાંથી બોગસ બિલીંગ પ્રવૃત્તિ આચરાઇ
સીજીએસટી તંત્રના જણાવ્યા મુજબ બોગસ બિલીંગના ધંધામાં માહિર આ ટોળકીએ તંત્રની નજરથી બચવા બોગસ બિલીંગની પ્રવૃત્તિ માટે એક રહેણાંકી ફ્લેટ ભાડે રાખ્યો હતો જ્યાં બે-ત્રણ દિવસે બે-ચાર કલાક કામગીરી કરવામાં આવતી બાકીના સમયે ફ્લેટ બંધ રાખવામાં આવતો. અહિંથી ટેબલ-ખુરશી અને લેપટોપ જેવા સાધનો મળી આવ્યા છે તેમજ એક સુટકેસ ભરાય તેટલા ડોક્યુમેન્ટ્સ પણ હાથ લાગ્યા છે.
અમદાવાદ, સુરત અને મુંબઇમાં સમાંતર કાર્યવાહી કરાશે
જીએસટીના સુપ્રિટેન્ડન્ટે ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું કે, બોગસ બિલીંગ માટે અમદાવાદ, સુરત અને મુંબઇના એડ્રેસ દર્શાવી જીએસટી નંબર મેળવાયા છે. જ્યારે બોગસ બિલીંગની પ્રવૃત્તિ ભાવનગરથી ઓનલાઇન થતી હતી. ત્રણેય શહેરના ઉક્ત તમામ સ્થળોએ પણ સમાંતર કાર્યવાહી હાથ ધરાશે.