જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન આખી રાત
બાદથી હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન, સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક
આતંકવાદીને ઠાર માર્યો છે. સેનાને આશંકા છે કે બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં
છુપાયેલા હોઈ શકે છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર
પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરી અંગેની
ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં અત્યાર સુધીમાં એક
આતંકવાદી માર્યો ગયો છે.