ભાવનગરના નવાપરા વિસ્તારમાં સર્ચ માટે ગયેલી સીજીએસટી ટીમ પર થયેલા હુમલા બાદ તંત્ર આક્રમક બન્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રએ પણ સરકારી અધિકારીઓ પર હુમલાની આ ઘટનાને પુરી ગંભીરતાથી લઇ અપરાધી તત્વોને ભાન કરાવવા કડક હાથે કામ લીધું છે. આ પ્રકરણમાં ગઇકાલે પોલીસે સીજીએસટીને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ હુમલાખોર આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે. જાે કે, પોલીસ તંત્ર અપરાધી તત્વોને કોઇપણ સંજાેગોમાં છોડવા માંગતું નથી. દરમિયાનમાં ઉચ્ચસ્તરે પણ આ પ્રકરણના ઘેરા પડઘા પડતા આજે પોલીસ તંત્ર દ્વારા આ બનાવની તપાસ માટે એસ.આઇ.ટી. રચવામાં આવી છે જેનું નેતૃત્વ યુવા આઇ.પી.એસ.-એ.એસ.પી. સફીન હસનને સોંપવામાં આવ્યું છે. એસ.આઇ.ટી. દ્વારા ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
ગઇકાલે ગુરૂવારે સાંજે સીજીએસટીની ટીમ અને એ.એસ.પી. સફીન હસન, નિલમબાગ પી.આઇ. ભાચકન તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત મસમોટા કાફલાએ આરોપીઓને શોધવા તેમજ બોગસ બિલીંગ કેસમાં વધુ તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં મહેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૩૨૧માં તેમજ અન્ય એક ફ્લેટ નં.૧૬ પણ બોગસ બિલીંગ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાતા તેનું તાળુ તોડી તપાસ કરાઇ હતી. બાદમાં પોલીસે આ ફ્લેટને સીલ કર્યો છે. જ્યારે સીજીએસટી તંત્રએ તેને તપાસમાં ઉપયોગી લગત સાહિત્ય કબ્જે લીધું હતું. બાદમાં કાફલો વલ્લી હાલારીના નિવાસસ્થાન બાગે રસુલ ફ્લેટમાં તપાસ અર્થે દોડી ગયો હતો. જાે કે, વલ્લી હાલારી મળી આવેલ નહીં. અહીં મહિલા સભ્યો હાજર હતા તેના નિવેદન નોંધવામાં આવેલ જ્યારે ફ્લેટની અગાશી ઉપર ચોથા માળે લક્ઝરીયસ ઓફિસ નજરે પડી હતી જે ગેરકાયદે હોવાનું ખુલ્યું છે. તેમજ આ ઓફિસમાંથી સમગ્ર બોગસ બિલીંગનો દોરીસંચાર થતો હોવાનું માનવામાં આવે છે. પોલીસે તપાસ દરમિયાન એક ડીવીઆર કબ્જે લીધું છે. જ્યારે આ મામલામાં ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તેમજ વધુ તપાસ કરવા માટે એસ.આઇ.ટી.ની રચના કરી છે. જેમાં એ.એસ.પી. સફીન હસન, એલસીબી પી.આઇ. ભરવાડ તથા નિલમબાગ પી.આઇ. ભાચકનનો સમાવેશ એસ.આઇ.ટી. ટીમમાં કરાયો છે. ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે જુદા જુદા સ્તરે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જાણવા મળ્યું છે.
મહાપાલિકાએ ગેરકાયદે ઓફિસ હટાવવા નોટિસ ફટકારી, બે દિવસની મુદત
જીએસટીમાં બોગસ બિલીંગનો કારોબાર દેશની આર્થિક બાબતોને ડામાડોળ કરી રહ્યો છે ત્યારે ભાવનગરમાં તંત્રની ઝપટે ચડેલી હાલારી ગેંગ પર આક્રમકતાથી કાર્યવાહી કરવા સરકાર તરફથી સુચના મળી છે. આથી સરકારના જુદા જુદા વિભાગો બોગસ બિલીંગ આચરતી ગેંગને ભોંભીતર કરવા કાર્યવાહીના મુડમાં જણાય છે. સીજીએસટીની આ કાર્યવાહીમાં હુમલાની ઘટના બાદ પોલીસ તંત્ર જાેતરાયું છે અને પુરી તાકાતથી કામે લાગ્યું છે. બીજી બાજુ હાલારી ગેંગે બોગસ બિલીંગના કારોબાર માટે બાગે રસુલ ફ્લેટના ટેરેસ પર ગેરકાયદે રીતે લક્ઝરીયસ ઓફિસ ખડકી છે. આ મામલે કાર્યવાહી કરવા આજે મહાપાલિકાએ આળસ મરડી છે. મ્યુ. તંત્રના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગની ટીમે આજે સ્થળ પર જઇ ગેરકાયદે બાંધકામ દુર કરવા નોટિસ ફટકારી હતી. જેમાં બે દિવસમાં બાંધકામ દુર નહીં કરાય તો તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવા ચિમકી ઉચ્ચારાઇ છે.
યુવી ગૃપનું બોગસ બિલિંગ કૌભાંડ કરોડોમાં હોવાનું તંત્રને અનુમાન
ભાવનગરમાં બોગસ બિલીંગનો કારોબાર કોણ કોણ ચલાવે છે ? અને મુખ્ય માથાઓ કોણ છે તે સહિતની વિગતો સીજીએસટી તંત્ર સારી પેઠે જાણે છે અને ભાવનગરના મોટાભાગના નગરજનો પણ આ મામલે ચર્ચા કરતા જાેવા મળે છે પરંતુ તંત્ર મોકાની રાહમાં હોય તેમ હવે પુરી તાકાતથી કામે લાગ્યું છે. યુવી ગૃપ જીએસટીના બોગસ બિલીંગમાં માસ્ટરમાઇન્ડ હોવાનું તંત્રએ સ્વિકાર્યું છે અને પ્રાથમિક તબક્કે રૂા.૨.૫૦ કરોડની ખોટી વેરાશાખ મેળવ્યાનું આ કૌભાંડ કરોડોમાં હોવાનું અનુમાન સેવ્યું છે. એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, રૂા.૨.૫૦ કરોડનું ઝડપાયેલું કૌભાંડ પાશેરામાં પહેલી પુણી છે, કૌભાંડની રકમનો આંકડો કરોડોમાં હોવાનું અનુમાન છે અને આ મામલે સીજીએસટી તંત્ર બારીકાઇથી તપાસ કરશે.
યુવી ગૃપ દ્વારા બોગસ બિલીંગનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ કેસને સંલગ્ન સિહોર અને નારી ગામની બે પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જેમાં સ્થળ પર પેઢીઓ કે ઓફિસ મળી આવી ન હતી આથી આ બંને પેઢી બોગસ હોવાનું પુરવાર થયું છે. સિહોરમાં સોહમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ કરતા ત્યાં હિરાનું કારખાનું અને ગેસની એજન્સી મળી આવી હતી. તો સંલગ્ન બીજી પેઢીનું સરનામુ નારીચોકડી હતું જ્યાં તિરૂપતિ એન્ટરપ્રાઇઝ દર્શાવાઇ હતી તે જગ્યા પર ગૌચર હોવાનું તપાસમાં ખુલ્યું છે. આમ કેસને સંલગ્ન બંને પેઢી બોગસ હોવાનું જણાયું છે. હજુ આ મામલે આગામી દિવસોમાં તપાસ વેગવંતી બનશે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ બોગસ બિલીંગ અને ખોટી વેરાશાખ મેળવ્યાનો આંકડો કરોડોમાં આગળ વધતો જશે !