નરેન્દ્ર મોદી આજે શનિવારે મણિપુરની મુલાકાત લેશે. તેઓ ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે
વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. 2 વર્ષ પહેલાં રાજ્યમાં ભડકેલી જાતીય હિંસા પછી મોદીની
મણિપુરની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, તેમણે 8,500 કરોડ રૂપિયાના 31 વિકાસ
પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. મુખ્ય સચિવ પુનિત કુમાર ગોયલે વડાપ્રધાનની
મણિપુર મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષ પછી
મણિપુરની મુલાકાત ન લેવા બદલ વિપક્ષી પક્ષો દ્વારા વારંવાર ટીકા વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત
થઈ રહી છે. મે 2023થી આ જાતીય સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકો
બેઘર થયા છે.
મુખ્ય સચિવ ગોયલે કહ્યું હતું કે, ‘શાંતિ એટલે માત્ર હિંસાનો અભાવ જ નહીં, પરંતુ વિશ્વાસ, સદ્ભાવ અને
સમાધાન પણ જરૂરી છે. આ પ્રકારે, વડાપ્રધાન મોદીની મણિપુરની મુલાકાતથી રાજ્યમાં શાંતિ, સામાન્ય
સ્થિતિ અને વિકાસનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે આઈઝોલથી મણિપુર પહોંચશે.’ આ
વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, મોદી ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો
સાથે વાતચીત કરશે અને બે રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર
કરાયેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની
પોતાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, વડાપ્રધાન મોદી ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક
વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.’
મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની
મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી.
રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા
પુનઃસ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. બધા પક્ષોના સંયુક્ત
પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે.
PM મોદીએ મિઝોરમમાં રેલવે લાઈનનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન મોદી આજે શનિવારે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. હાલ વડાપ્રધાન મોદી મિઝોરમ પહોંચી
ગયા છે. અહીં તેમણે 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી છે. વડાપ્રધાન મોદીએ મિઝોરમના
બૈરાગી-સૈરાંગ રેલવા લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે.
આઝાદીના 78 વર્ષ અને ભારતીય રેલ્વેની શરૂઆતના 172 વર્ષ પછી, મિઝોરમ આજે રેલ્વે સાથે
જોડાયેલ હોવાની સાથે દેશની રાજધાની સાથે જોડાઈ રહ્યું છે. આ પહેલી વાર છે જ્યારે મિઝોરમના
લોકો ટ્રેનની સીટી સાંભળશે. આ દરમિયાન, વડાપ્રધાન આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના
વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.