શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને મળ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યો છે તેણે મને ફોન કરીને કહ્યું કે, “હું આને તમારા સન્માનમાં સ્વીકાર કરી રહી છું કારણ કે, તમે ખરેખર તેના હકદાર હતા..” જોકે, મેં એવું ન કહ્યું કે, મને આપી દો. હું તેમની દરેક પ્રકારે મદદ કરૂ છું. હું ખુશ છું કારણ કે, મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે…’
મારિયા કોરિના મચાડોને વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મચાડોને પુરસ્કારના ભાગ રૂપે 1.2 મિલિયન ડૉલર મળશે. નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે, મચાડોએ વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને સરમુખત્યારશાહીથી શાંતિપૂર્ણ લોકશાહી હાંસલ કરી હતી. મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના લોકતાંત્રિક વિપક્ષની એક અગ્રણી નેતા છે. વર્ષોથી, તેમણે પ્રમુખ નિકોલસ માદુરોની સરમુખત્યારશાહી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો છે. તેમના આંદોલનને દેશમાં લોકશાહી સુધારાઓ, મહિલા અધિકારો અને રાજકીય સ્વતંત્રતા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. તેમના અહિંસક અભિયાન અને શાંતિપૂર્ણ સંવાદ પર ભાર મૂકવાથી તેઓ લોકશાહી હિંમતનું વૈશ્વિક પ્રતીક બન્યા છે.